ભાવનગર આખું શહેર ખુલ્લો ઢોરવાડો બની ગયો છે છતાં મ્યુ. તંત્રનું પેટનું પાણી હલતું ન હોય તેવી સ્થિતિ છે, શહેરમાં લગભગ બે માસથી ઢોર પકડવાની પ્રવુતિ બંધ છે. અધૂરામાં પૂરું લમ્પી વાયરસે માથું ઉચકતા હવે ઢોર પકડ અભિયાન હાથ નહિ ધરવા તંત્રને જાણે ભાવતું હતું ને વૈધે કીધું જેવું બન્યું છે.
શહેરમાં રરાજમાર્ગો પર ઠેર ઠેર ઢોરના અડીંગા રસ્તા રોકો આંદોલન છેડીને બેઠા હોય તેમ દેખાય છે, દર ચોમાસે પશુનો ત્રાસ વધી જાય છે પરંતુ મ્યુ.તંત્ર આગોતરું આયોજન કરતું નથી જેને કારણે શહેરીજનોને જાણે ઢોરના હવાલે કરી દેતા હોય તેવી સ્થિતિ ઉભી થાય છે.
અમદાવાદની પાંજરાપોળ એ ઢોરનો સ્વિકાર કરવા તૈયારી દાખવી છતાં મહાપાલિકા એ પકડેલા પશુઓ પાંજરાપોળ સુધી પહોંચ્યા નહિ અને કોર્પોરેશને કાળજી નહીં રાખતા આમ આદમી પાર્ટીએ રાજકીય લાભ ખાટવા પકડેલા પશુઓને ફરી રસ્તે ફરતા કરી દેતા શહેરીજનોની મુશ્કેલી વધી છે, હાલ કોર્પોરેશનના ઢોરના ડબ્બે માત્ર ૮૦ પશુઓ પુરાયેલા છે અને લમ્પી વાયરસનો કહેર હોવાથી મ્યુ. તંત્ર પશુ નિયંત્રણ માટે કોઈ કાર્યવાહી કરવાનું નથી !