રાજ્યના 9 આગામી ત્રણ દિવસ સુધી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સ સાથે જ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે, જેની અસર ગુજરાતમાં પણ દેખાઇ રહી છે. આજથી અમદાવાદ, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે એનડીઆરએફની ટીમને પણ તહેનાત રહેવા માટે તંત્રએ આદેશ આપી દીધો છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો ૭પ ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વધુ એક વખત વરસાદી માહોલ જામ્યો છે, કારણ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગે આગાહી કરી હતી કે પ ઓગસ્ટ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી ભારે વરસાદ પડી શકે છે. ઓગસ્ટ મહિનામાં વરસાદનું પ્રમાણ જુલાઇ મહિના કરતાં ઓછું રહેશે, પરંતુ ૧૦ તારીખ પહેલાં રાજ્યની અનેક જગ્યાઓ પર વરસાદ બઘડાટી બોલાવશે. રવિ તેમજ સોમવારે અમદાવાદમાં વરસાદ નહીં પડતાં બફારાની સ્થિતિ સર્જાઇ હતી.
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજથી તારીખ ૧૦ સુધીમાં રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ ગાજવીજ સાથે વરસશે. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો, જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા ત્રણ દિવસમાં ધોધમાર વરસાદ પડશે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન પણ થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધી શકે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ છે. રાજ્યના 17 જિલ્લામાં વરસાદ વધુ પડી શકે છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે.