ભાવનગર કોર્પોરેશન જાણે અધિકારી વિહોણી કરી દેવા નક્કી થયું હોય તેમ એક માત્ર કલાસ વન અધિકારી ડે. કમિશનરની પણ બદલી કરી દઈ તેની જગ્યાએ અન્ય કોઈ અધિકારીને નિમણુંક નથી અપાઈ. મહાપાલિકામાં કમિશનર પણ ઇન્ચાર્જ છે ત્યારે ડે. કમિશનર એડમીનનું પદ પણ ખાલી પડતા રોજીંદા વહીવટી કાર્યો ખોરંભે પડશે તે નિશ્ચિત છે, ભાવનગરની નેતાગીરી શહેરના વિકાસમાં ઉણી ઉતરી છે જ પરંતુ ભાવનગરનું સરકારમાં ઉપજણ ન હોય તેમ કમિશનર જેવી પોસ્ટ મહિનાઓથી ખાલી છે છતાં કોઈ અધિકારી નિમાતા નથી ત્યાં ડે. કમિશનરની બદલી કરી દઈ તેની જગ્યાએ પણ કોઈ અધિકારી નહિ નીમી સરકારે આશ્ચર્ય સર્જ્યું છે.
ભાવનગર મહાનગરપાલિકા. છ માસ કરતા વધુ સમયથી કમિશનરની નિમણૂક થતી નથી. સિટી એન્જિનિયરની જગ્યા પણ ખાલી છે. આવી પરિસ્થિતિમાં ઓછામાં પૂરું ગેસ કેડરની પોસ્ટ પરના ડેપ્યુટી કમિશનર (એડમીન)ની પણ બદલી થઈ છે. અને તેમની જગ્યાએ કોઈ અન્ય અધિકારીને પણ મૂકાયા નથી.
શહેરના વિકાસની જાણે કોઈને પડી જ ના હોય તેમ છેલ્લા ઘણા સમયથી ધણીધોરી વગરનું થઈ ગયું છે. વિધાનસભાની ચૂંટણી માથે હોવા છતાં સરકારમાં બેઠેલા ભાવનગરના રાજકીય આગેવાનો પણ કંઈ કરતા નથી.
ડે. કમિશનરની બદલીથી ત્રણ ત્રણ પદ ખાલી પડ્યા…
સિટી એન્જિનિયરની જગ્યામાં વારંવાર વિવાદને કારણે તે જગ્યા પર કોઈ અધિકારીને બેસાડયા જ નહીં. ડેપ્યુટી કમિશનર જનરલની જગ્યા પણ ખાલી હોવાથી ડેપ્યુટી કમિશનર એડમિનને ચાર્જ સોંપાયો હતો. અને સિટી એન્જિનિયરની ફાઇલોમાં સહિ કરતા હતા. આવી કફોડી પરિસ્થિતિમાં રાજ્યના ૭૯ ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલીમાં ડેપ્યુટી કમિશનર એડમીન વી.એન.રાજપૂતની પણ અમદાવાદ સ્ટેમ્પ ડ્યુટી ડેપ્યુટી કલેકટર તરીકે બદલી થતા માત્ર ડેપ્યુટી કમિશનર એડમીન જ નહીં સાથોસાથ ડેપ્યુટી કમિશનર અને સિટી એન્જિનિયરની પણ જગ્યા ખાલી થઈ ગઈ છે.