ભાવનગર મહાપાલિકામાં છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી કાયમી કમિશનર છે જ નહીં, કલેક્ટરને ચાર્જ સોંપીને ભારણ વધારાયું હતું. આખરે સુરતથી ડે.કમિશનર ઉપાધ્યાયની ભાવનગર કમિશનર તરીકે નિમણૂંક થઇ છે. તેઓ ગુરૂવારે ચાર્જ સંભાળી લેશે તેમ જાણવા મળ્યું છે.
સુરત મહાપાલિકામાં ડે.કમિશનર તરીકે ફરજ બજાવતા ૨૦૧૩ની બેચના આઇ.એ.એસ. એન.વી. ઉપાધ્યાય કાર્યદક્ષ અધિકારી છે તેમજ સેવાભાવી તરીકે પણ છાપ ધરાવે છે. કોરોના કાળમાં લોકડાઉન સમયે તેમણે શ્રમિકોને ભોજન, રાશન કીટ પહોંચાડવી અને હોટસ્પોટ વિસ્તારમાં લોકજાગૃતિ કેળવવા સાથે પોતે કોરોનાથી સંક્રમિત થયા બાદ પ્લાઝમાં ડોનેટ પણ કર્યું હતું. તેઓને ઘણા સમય પૂર્વે પ્રમોશન અપાયું હતું પરંતુ પોસ્ટીંગ બાકી હતું. આખરે ભાવનગર મ્યુ. કમિશનર તરીકે તેમને પોસ્ટીંગ અપાયું છે. ભાવનગર મહાપાલિકામાં કમિશનરની ખુરશી છ મહિના કરતા વધુ સમય સુધી ખાલી રહ્યા બાદ આખરે નિમણૂંક થતા હવે અટકેલા કાર્યો આગળ વધશે અને ખાસ કરીને અધિકારી પાંખને નેતૃત્વ મળી રહેશે તો જિલ્લા કલેક્ટર ઉપરાંત મ્યુ. કમિશનરના ચાર્જમાંથી યોગેશ નિરગુડેને હાલ મુક્તિ મળી છે.