ખૈબર પખ્તુનખ્વા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં એક આત્મઘાતી હુમલામાં 15
સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા છે. આ અંગે સેનાએ જણાવ્યું કે શુક્રવારે સાંજે એક આત્મઘાતી હુમલાખોરે
વિસ્ફોટકોથી ભરેલું વાહન ચોકી સાથે અથડાવી દીધું હતું. જેના કારણે તેમાં વિસ્ફોટ થયો હતો. આ 15
મૃત્યુ પામેલાઓમાં 12 સૈનિકો, બે પોલીસ અધિકારીઓ અને વન વિભાગના એક ભૂતપૂર્વ સરકારી
અધિકારીનો સમાવેશ થાય છે.
આ અંગે સેનાએ જણાવ્યું હતું કે, આ હુમલો ટાંક જિલ્લામાં થયો હતો. જ્યાં ઉગ્રવાદીઓએ વિસ્ફોટકોથી
ભરેલું વાહન સુરક્ષા ચેકપોસ્ટની બહારની દિવાલ સાથે અથડાવ્યું હતું, જેના કારણે મોટો વિસ્ફોટ થયો
હતો અને સ્થળને વ્યાપક નુકસાન થયું હતું. સેનાએ જણાવ્યું હતું કે હુમલા દરમિયાન સુરક્ષા દળોએ
વળતો જવાબ આપ્યો હતો અને 12 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા.
આ હુમલાની જવાબદારી તાત્કાલિક કોઈ જૂથે સ્વીકારી નથી. પરંતુ આ પ્રદેશ ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ
તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન દ્વારા હિંસક અભિયાનનો ભોગ બન્યો છે. આ વિસ્તારમાં ઉગ્રવાદી
હિંસામાં તીવ્ર વધારો થયો છે.હાલના વર્ષોમાં આ સંગઠને ખૈબર પખ્તુનખ્વામાં તેના હુમલાઓ વધુ તીવ્ર
બનાવ્યા છે.






