ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો હતો. અહીં બહનાગા રેલવે સ્ટેશન પાસે ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાઈ હતી. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે ટ્રેન દુર્ઘટનામાં 233 લોકોના મોત થયા છે અને 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. મૃતકોની સંખ્યા હવે વધી શકે છે. બીજી તરફ, ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે.
ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનિક લોકોએ મુસાફરોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. બાદમાં NDRF, રાજ્ય સરકાર અને એરફોર્સે બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. રેલ્વે મંત્રાલયે વળતરની જાહેરાત કરી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના નજીકના પરિજનોને રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે વાત કરી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પીએમ મોદીએ ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી આપવાની જાહેરાત કરી હતી.
બાલાસોર જિલ્લામાં બનેવી આ ટ્રેન દુર્ઘટનામાં સ્થાનિક લોકો અને બચાવ ટીમે બોગીઓમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. રેલ્વે, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ પ્રશાસનના 600 જવાનો આખી રાત અંધારામાં બોગીમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડતા રહ્યા. આ અકસ્માત બાલાસોરથી લગભગ ચાલીસ કિલોમીટર દૂર બહાનાગા બજાર સ્ટેશન પાસે થયો હતો. બહાનાગા, બાલાસોરથી ભુવનેશ્વર સુધીની હોસ્પિટલો ઈજાગ્રસ્તોથી ભરેલી છે.
ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી તે રહસ્ય: તપાસ રિપોર્ટ બાદ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે
દિલ્હી રેલવે હેડક્વાર્ટર અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસ શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈ માટે રવાના થઈ હતી. જ્યારે ટ્રેન ઓડિશાના બહનાગા બજાર સ્ટેશન પર પહોંચી ત્યારે યશવંતપુર-હાવડા એક્સપ્રેસ વિરુદ્ધ દિશામાંથી આવી રહી હતી. સુપરપાસ્ટ કોરોમંડલ એક્સપ્રેસ તેજ ગતિએ દોડી રહી હતી. જોકે જસવંતપુર-હાવડા એક્સપ્રેસની સ્પીડ વધારે નહોતી. બંને ટ્રેનો એકબીજાની બાજુમાં પસાર થઈ રહી હતી. આ દરમિયાન યશવંતપુર-હાવડા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી અને બાજુમાંથી કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ હતી. આ ટક્કરને કારણે હાઈસ્પીડ કોરોમંડલ એક્સપ્રેસ પણ પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કોરોમંડલ એક્સપ્રેસની બાજુમાં ટ્રેક પર બીજી એક માલગાડી હતી. પાટા પરથી ઉતરેલી કોરોમંડલ એક્સપ્રેસ પણ તે માલગાડીને ટક્કર મારી હતી. આ પછી કોરોમંડલ એક્સપ્રેસનું એન્જિન માલગાડી પર ચઢી ગયું. રેલવેએ જણાવ્યું કે, કોરોમંડલ એક્સપ્રેસ અને યશવંતપુર એક્સપ્રેસ બંને ટ્રેનો જે ઝડપે સામસામે દોડી રહી હતી. એક ટ્રેન ક્યારેય બીજી ટ્રેનની ઉપર ચઢતી નથી. આ પછી રેલ્વે એન્જિનિયરો ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસ બાદ તેમને સમજાયું કે કોઈ ટ્રેન સામસામે ટકરાઈ નથી. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી કેવી રીતે ઉતરી. અકસ્માત બાદ રેલવે તપાસ સમિતિના સભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમના તપાસ રિપોર્ટ બાદ કદાચ આ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.
ઘણી ટ્રેનો રદ, આ ટ્રેનના રૂટ ડાયવર્ટ કરાયા
ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન અકસ્માત બાદ આ રૂટ પર ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે અને ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે જેમાં, ટ્રેન નંબર (12837) – હાવડા-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નંબર (12863) – હાવડા-બેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નંબર (12839) – હાવડા-મદ્રાસ મેલ એક્સપ્રેસ, ટ્રેન નંબર (12895) – શાલીમાર-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, ટ્રેન નંબર (20831) – શાલીમાર-સંબલપુર મહિમા ગોસાઈ એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.
આ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા: ટ્રેન નંબર (22807) – કોલકાતા-ચેન્નઈ એક્સપ્રેસને ટાટાનગર રૂટ દ્વારા ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેન નંબર (22873) – દિઘા-વિશાખાપટ્ટનમ સુપરફાસ્ટને PKUથી ટાટાનગર થઈને ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેન નંબર (18409) – જગન્નાથ એક્સપ્રેસને પણ રાત્રે 08:10 વાગ્યે ULB નજીકથી નિયંત્રિત કરીને ટાટાનગરથી ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેન નંબર (22817) – હાવડા-મૈસુર એક્સપ્રેસને નિયંત્રિત કરવામાં આવી છે અને પછી ટાટાનગરથી રાત્રે 09:12 વાગ્યે ઉલટી અને ડાયવર્ટ કરવામાં આવી છે.






