ગુજરાતના પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મોડી રાત્રે બે અલગ-અલગ જગ્યાએ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતોમાં કાળનો પંજો ફરી વળ્યો છે. મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં પિકનિકથી પરત ફરતી વખતે હાઇવે કિનારે ફોટા પડાવી રહેલા 6 મિત્રોને એક સ્પીડમાં આવતા અજ્ઞાત ભારે વાહને કચડી નાખ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર આઇશર ટ્રકે કારને પાછળથી જોરદાર ટક્કર મારતાં કાર ટ્રક નીચે દબાઈ ગઈ હતી. આ બંને કરૂણ અકસ્માતોમાં મળીને કુલ 10 લોકોના ઘટનાસ્થળે તથા હોસ્પિટલ લઈ જતી વખતે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે બે લોકો ગંભીર રીતે ઘવાયેલા હોવાથી સારવાર હેઠળ છે.
મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લામાં NH-45 પર ઇન્દિરા નગર નજીક રવિવારે સાંજે આ દર્દનાક અકસ્માત સર્જાયો હતો. જબલપુરના રહેવાસી 6 મિત્રો નરસિંહપુર-જબલપુર સરહદ પર આવેલા હાથીનાલા ઝરણાથી પિકનિક મનાવીને પરત ફરી રહ્યા હતા.પિકનિકથી પરત આવતી વખતે આ મિત્રો યાદગાર તસવીરો લેવા માટે હાઇવેના કિનારે ઉભા હતા, ત્યારે એક અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા ભારે વાહને (ટ્રક/ડમ્પર) તેમને કચડી નાખ્યા હતા.
આ અકસ્માતમાં રાજેન્દ્ર પટેલ (22) નું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે વીરેન્દ્ર લોધી (20), રામપાલ સિંહ લોધી (21), જયપાલ સિંહ લોધી (30) અને નીરજ સિંહ લોધી (25) નું હોસ્પિટલ લઈ જતી વખતે મોત નીપજ્યું હતું. અન્ય એક મિત્ર આકાશ સિંહ લોધી (24) ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત સર્જી વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે. પોલીસ સીસીટીવી ફૂટેજ ચકાસીને ફરાર ડ્રાઇવર અને વાહનની શોધખોળ કરી રહી છે.
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં પુલગાંવ પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિરૂલ ઇન્ટરચેન્જ નજીક સમૃદ્ધિ એક્સપ્રેસવે પર અડધી રાત્રે આ ભયાનક અકસ્માત થયો હતો. મરચાં ભરીને જઈ રહેલા આઈશર ટ્રકે આગળ જઈ રહેલી કારને પાછળથી એટલી પ્રચંડ ટક્કર મારી કે કાર ટ્રકની નીચે દબાઈ ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રકમાં જોતજોતામાં આગ લાગી ગઈ હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર ડ્રાઇવર સહિત તમામ 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે ટક્કરના કારણે આઇશર ટ્રકના ડ્રાઇવરનું પણ ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. આમ કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ટ્રકનો ક્લીનર ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટનાને પગલે સમૃદ્ધિ એક્સપ્રેસવે પર અડધી રાતથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો, જેને પોલીસે પહોંચીને સામાન્ય કરાવ્યો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગ્રામીણ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.






