કચ્છ જિલ્લામાં છેલ્લા 4 દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને કચ્છમાં સીઝનનો 80 ટકા વરસાદ ખાબક્યો છે. એમાં પણ લખપતમાં સીઝનના પડતા વરસાદ કરતાં દોઢ ગણો વધુ એટલે કે 148 ટકા વરસાદ પડ્યો છે. તેમજ માંડવીમાં 118 ટકા તેમજ મુંદ્રામાં 124 ટકા વરસાદ વરસી ચૂકયો છે. ગઈકાલે પણ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મહેરબાન થતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા તેમજ ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે, ભુજમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બીજી તરફ ભારે વરસાદના કારણે માંડવીનો વિજય સાગર ડેમ ઓવરફ્લો થતાં આસપાસનાં ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું.તો આ તરફ નખત્રાણા અને માંડવીમાં જળ ભરાવાથી સ્થિતિ વણસી છે.
કચ્છમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને કારણે કચ્છના પશ્ચિમ વિભાગમાં હવે અતિવૃષ્ટિ સર્જાઈ રહી છે. નખત્રાણા અને માંડવીના ડેમ અને નદીઓ બે કાંઠે વહી નીકળતાં અનેક ગામોમાં સાવચેતી માટે તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ભુજ શહેરમાં પણ સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. કચ્છના જિલ્લા કલેક્ટરે પાણી ધરાવતા પર્યટન સ્થળે જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. તો બીજી તરફ પૂર્વ કચ્છના ગાંધીધામ અને અંજાર તાલુકામાં એકધારો વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.