જામનગરમાં સ્ટેટ જીએસટી દ્વારા અઠવાડિયા પહેલા ટ્રાન્સપોર્ટરો તેમજ ઔદ્યોગિક એકમોને ત્યાં જીએસટી ચોરી અંગે દરોડાઓ પાડવામાં આવ્યા હતા. જેમાં ૧૦ જેટલી પેઢીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા કરચોરી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેની તપાસમાં અનેક પેઢીઓને ત્યાં કરચોરી ખુલવા પામી હતી. જે સંદર્ભે ગઇકાલે જીએસટી ચોરી પ્રકરણમાં બે ઉદ્યોગપતિઓની ધરપકડ કરવામાં આવી છે. જેને લઇ ઉદ્યોગ જગતમાં દોડધામ મચી જવા પામી છે.
એક સપ્તાહ પૂર્વે જામનગરની શાંતિ મેટલ, ડી.આર. ટ્રેડીંગ, એકટીવ મેટલ પ્રા.લી., મૈત્રી એન્ટરપ્રાઇઝ, ઓમકાર એન્ટરપ્રાઇઝ, માતૃકૃપા કન્સ્ટ્રકશન, જય દ્વારકાધીશ કન્સ્ટ્રકશન, રણજીત લોજીસ્ટીક અને જામ રણજીત કેરિયર્સ પેઢીમાં સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓની ટીમે સામૂહિક દરોડા પાડયા હતાં. આ દરોડા બોગસ બીલીંગ કરી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર જીએસટી સામે વેરાશાખ મજશે મેળવી પ્રમાણસર વેરો સરકારી તિજાેરીમાં જમા કરાવી કરવામાં આવતી કરચોરી સબબ પાડવામાં આવ્યા હતાં.
આ દરોડાની કામગીરી સપ્તાહથી વધુ સમય ચાલી હતી. જેમાં બોગસ બીલીંગ થકી કેટલી વેરાશાખ લેવામાં આવી છે તેની ચકાસણી કરી વસૂલાતની કામગીરી હાથ ધરાઇ છે. આ કામગીરી અંતર્ગત સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ વિભાગે ગુરૂવારે રાત્રીના શાંતિ મેટલના ઋષભ પાંભર અને અન્ય એક શીપીંગના વ્યવસાય સાથે સંકળાયેલ વ્યકિત સહિત બે ઉધોગપતિઓની ધરપકડ કરવામાં આવી છે.સ્ટેટ જીએસટી વિભાગે મોડી રાત્રીના બંને ઉધોગપતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા ઉધોગકારોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.