ભાવનગરના ચિત્રા વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ અને તેના મિત્ર ઉપર આઠ શખ્સોએ હુમલો કરતા બોરતળાવ પોલીસમાં ગુનો દાખલ થયો છે.ઝપાઝપી દરમિયાન સોનાનો ચેન,રોકડ રકમ અને એક મોબાઈલ પડી ગયાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ચિત્રા,બેન્ક કોલોનીમાં રહેતા રત્ન કલાકાર યુવાન આકાશભાઈ ઘુઘાભાઈ મોરીએ બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આજથી એક માસ પહેલા જયેશભાઈના માણસને શેરીમાં મોટરસાયકલ ફાસ્ટ ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો તેની દાઝ રાખી ગતરાત્રિના સમયે આકાશભાઈ તેમના ભાઈ રાકેશભાઈ અને મિત્ર ચિરાગભાઈ સાથે મોટરસાયકલ લઈને બુધેલમાં આવેલ તેમના બહેનના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે ચિત્રા, પાણીની ટાંકી પાસે જયેશ, સમીર, કાનભા ટાંકી, હરપાલ, શરદ, ભરત, અશ્વિન અને વિવેક ઉર્ફે મોત એ તેમનું મોટરસાયકલ અટકાવી ત્રણેયને વારાફરથી માર મારી તેમજ કાનભા ટાંકીએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા આકાશભાઈને ઇઝા થતા સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
મારામારી અને ઝપાઝપી દરમિયાન આકાશભાઈનો પોણા બે તોલાનો સોનાનો ચેન, રૂ.૬૦૦૦ રોકડા તેમજ તેના મિત્ર ચિરાગભાઈનો નોકિયા કંપનીનો મોબાઇલ ફોન ક્યાંક પડી ગયો હતો. આ બનાવ અંગે બોરતળાવ પોલીસે જયેશ સહિતના આઠ શખ્સ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.