સુરતમાં રહેતા વેપારીને વરતેજ અને ભાવનગરના ચાર ઈસામોએ જિંગાફૂડના વેચાણની રૂ.૧.૧૮ કરોડની રકમ પૈકી રૂ.૮૩.૪૦ લાખની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ વરતેજ પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ સુરતની પંચવટી સોસાયટી, પર્વત પાટિયા નજીક રહેતા વેપારી નિલેશભાઈ હસમુખભાઈ લાકડાવાળાએ વરતેજ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, પોતે આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે આવેલ ગોદરેજ એક્વા એગ્રીકલ્ચર લિમિટેડ કંપનીમાં અક્ષર એન્ટરપ્રાઇઝ નામથી ઝીંગાફૂડના વેચાણ માટેની એજન્સી લીધી હતી અને વરતેજની રંગોલી ચોકડી પાસે આવેલ ક્રિષ્ના હોટલ પાછળ મોરી ભાઈના ગોડાઉનમાં આ એજન્સી શરૂ કરી હતી.
એજન્સીના વહીવટ માટે વરતેજના અગવન અહેમદ રહેમાન ભાઈ અને નુર અલી અહેમદ રહેમાનભાઈને વેચાણ માટે ૫ ટકા કમીશનથી તેમજ અનિશ અગવન અલી અહેમદ રહેમાનભાઈને બિલ્ડીંગના કાર્ય માટે નોકરીએ રાખ્યા હતા. અને વેચાણની રકમ નિલેશભાઈના બેન્ક ખાતામાં જમા કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.
નિલેશભાઈએ એપ્રિલ 2019 થી નવેમ્બર 2019 દરમિયાન ઝીંગા ફૂડની 6313 બેગ, જેની કિંમત રૂપિયા ૧,૧૮,૪૦,૬૭૫ અલગ અલગ ટ્રક મારફત મોકલી હતી અને ઉક્ત ત્રણેય ઇસમોએ તેનું ખેડૂતોને વેચાણ કરી તેમાંથી મળેલ રકમ પૈકી રૂ.૩૫ લાખની ચુકવણી કરી હતી. જ્યારે બાકી રહેતી રૂ.૮૩,૪૦,૬૭૫ જેટલી રકમ અંગે અવારનવાર ઉઘરાણી કરવા છતાં નહિ ચૂકવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા નિલેશભાઇએ વરતેજના ત્રણ શખ્સ ઉપરાંત ખેડૂતો પાસેથી વેચાણની રકમ ઉઘરાવનાર અગવનના ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા મિત્ર રિઝવાન ભાઈ મેમણ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬, ૪૦૮, ૪૨૦,૪૬૫,૪૬૭ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.