ભાવનગરના માલણકા ગામમાં રહેતા રત્નકલાકાર યુવક ઉપર મરચાની ભૂકી છાંટી, ગાળો આપી ગામના શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ માલણકા ગામમાં રહેતા અને ભાવનગરમાં હીરા ઘસવાનું કામ કરતા રત્ન કલાકાર યુવાન હિતેશભાઈ રમેશભાઈ બારૈયાના પિતા રમેશભાઈ બારૈયાની ગામમાં રહેતા ગીગાભાઈ ગભાભાઈ બારૈયાના બે દીકરાએ બે વર્ષ પહેલા હત્યા કરેલ હોય જે અંગે વરતેજ પોલીસમાં ગુનો નોંધાયો હતો.
ગઈ કાલે સવારે હિતેશભાઈ અને તેના દાદાનો દીકરો કિશનભાઇ તનસુખભાઈ બારૈયા મોટરસાયકલ લઈને હીરા ઘસવા માટે ભાવનગર આવી રહ્યા હતા ત્યારે તરસમિયા, બજરંગદાસ બાપાની મઢુલી નજીક ગામના ગીગાભાઈ ગભાભાઈ બારૈયા મોટર સાયકલ લઈને બાજુમાં આવેલ અને મરચાની ભૂકી છાંટી મોટર સાયકલ ઉભુ રખાવી, ગાળો આપી, છરી બતાવી પોલીસ કેસ પાછો ખેંચી લેજે નહિતર તારા બાપુજી જેવા હાલ થશે તેવી ધમકી આપી હતી.
આ બનાવ અંગે હિતેશભાઈએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.