ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણની વિરુદ્ધ રેસલર્સના આંદોલનને ખેડૂતોએ પણ પૂરી રીતે સપોર્ટ કર્યો છે. ખેડૂતોએ શુક્રવારે તેમના સપોર્ટમાં કુરુક્ષેત્રમાં મહાપંચાયતની બેઠક બોલાવી હતી. આ વચ્ચે જ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ‘અમે નિર્ણય લીધો છે કે સરકારે પહેલવાનોની ફરિયાદનું સમાધાન કરવું જોઈએ. સાથે જ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ થવી જોઈએ. તેમની ધરપકડ સિવાય અમે બીજું કોઈ સમાધાન કરીશું નહીં. જો આવું નહીં થાય તો અમે 9 જૂને કુશ્તીબાજોની સાથે દિલ્હીના જંતર-મંતર જઈશું. ખાપ પંચાયતોએ ચેતાવણી આપી હતી કે જો તેમને જંતર-મંતર પર બેસવાની પરવાનગી નહીં મળે, તો આંદોલનની જાહેરાત કરાશે.’
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોનું 1983નો વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમે સમર્થન કર્યું છે. તેમજ તેમને મેડલ ગંગામાં ન પધરાવવાની અપીલ કરી છે. કપિલ દેવની આગેવાની હેઠળની ટીમમાં સામેલ સુનીલ ગાવસ્કર, BCCIના અધ્યક્ષ રોજર બિન્ની, દિલીપ વેંગસરકર અને મદનલાલ સહિત અનેક ખેલાડીઓએ કહ્યું કે કુસ્તીબાજો સાથે જે થઈ રહ્યું છે તે દુઃખદ છે. આ કુસ્તીબાજોએ દેશનું નામ રોશન કર્યું છે. આશા છે કે તેમની વાત સાંભળવામાં આવશે.
આ તરફ ભાજપ હાઈકમાન્ડે પણ બ્રિજભૂષણને સલાહ આપતાં જણાવ્યું હતું કે કોઈપણ નિવેદન આપવાનું ટાળવું. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે 5 જૂને અયોધ્યામાં યોજાનારી મહારેલીને રદ કરી છે. મહિલા રેસલર્સના આરોપો સામે આવ્યા બાદ બ્રિજભૂષણે આ નિર્ણય લીધો હતો.





