ગોહિલવાડમાં બોળ ચોથ અને નાગપાંચમની પરંપરાગત ઉજવણી થયા બાદ આજે રાંધણ છઠ્ઠ અને કાલે શીતળા સાતમનું પર્વ ઉજવાશે. કોરોનાના અંતરાય બાદ આ વર્ષે લોકો મોકળાશથી તહેવારો ઉજવી શકશે આથી અનેરો થનગનાટ જાેવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં પણ આ વર્ષે પૂર્વ અને પશ્ચિમ મત ક્ષેત્રમાં ધારાસભ્યો દ્વારા લોકમેળો તથા દહીં હાંડી ઉત્સવનું જન્માષ્ટમી નિમિતે આયોજન થયું છે.
કોરોનાકાળના બે વર્ષ બાદ લોકમેળો, પ્રવાસ, પર્યટન અને હરવા ફરવાનુ શરૂ થઈ જતા ગોહિલવાડના યાત્રાધામો અને પર્યટન સ્થળોએ માનવ મહેરામણ હિલોળે ચઢશે. સાતમ આઠમના પર્વોમાં ભાતીગળ લોકમેળાની રંગત પણ જામશે. તહેવારને અનુલક્ષીને મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ભારે ઘરાકી જાેવા મળી રહી છે. જયારે જન્માષ્ટમીના અવસરે ચોતરફ શુકનવંતી ખરીદીનો ધમધમાટ વધશે. જન્માષ્ટમીના પ્રસંગે સ્થાવર, જંગમ મિલકતો, પ્લોટ, દુકાન તેમજ નવા વાહનની ખરીદી અને વેચાણની પ્રક્રિયાનો ધમધમાટ વધશે. ભગવાન કૃષ્ણના જન્મના વધામણાં માટે સમગ્ર ગોહિલવાડ સજ્જ બન્યું છે, ઠેર ઠેર મટકી ફોડના કાર્યકમો સાથે કાનુડાનો જન્મોત્સવ ગામેગામ ઉજવાશે.