જામનગર અને દેવભૂમિ દ્વારકા ની એસ.ઓ.જી.ની ટીમ દ્વારા પરમદીને રાત્રે બેડી વિસ્તારના સંયુક્ત રીતે દરોડો પાડવામાં આવ્યો હતો, અને રૂપિયા ૬ લાખની કિંમતના નશીલા પ્રદાથ મ્યાંઉ મ્યાંઉ ડ્રગ સાથે એક શખ્સને પકડી પાડ્યો છે, જેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત નશીલો પદાર્થ ભાવનગર તરફથી આયાત થયો હોવાનું જાણવા મળતાં પોલીસે ભાવનગરના સપ્લાયરને ફરારી જાહેર કરી તપાસનો દોર ભાવનગર સુધી લંબાવ્યો છે.
જામનગરની એસ.ઓ.જી. શાખા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસ.ઓ.જી. શાખા ને સંયુક્ત રીતે બાતમી મળી હતી, કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં બાવાફળીમાં રહેતા બિલાલ અબ્દુલ દલ નામના ૬૦ વર્ષના આધેડ શખ્સના રહેણાંક મકાનના માદક પદાર્થ ને સંગ્રહ કરવામાં આવ્યો છે, અને તેનું ખાનગી રીતે છૂટકમાં વેચાણ કરાઇ રહ્યું છે.
જે બાતમીના આધારે પરમદીને મોડી રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો, જે દરોડા દરમિયાન ઉપરોક્ત રહેણાંક મકાનમાંથી ૫.૯૫ લાખ ની કિંમત નો એમ.ડી.એમ.એ. (મ્યાંઉ મ્યાંઉ) પાવડર મળી આવ્યો હતો. જેથી એસ.ઓ.જી. ની ટીમ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી હતી, અને તેની પાસેથી માદક પદાર્થ કબજે કરી લેવાયો હતો.
જેની ગઈકાલે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, દરમિયાન તેણે ઉપરોક્ત નશીલા પદાર્થનો જથ્થો ભાવનગરના રહેવાસી હસમુખ નામના સપ્લાયર પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું, જેથી પોલીસે હસમુખને ફરારી જાહેર કર્યો છે, અને તેની શોધખોળ ચલાવવા માટે તપાસનો દોર ભાવનગર સુધી લંબાવવામાં આવ્યો છે.