રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી નજીક રાજસ્થાનના ચાંદીના વેપારીને કારમાં પેસેન્જર તરીકે બેસાડી ચાર શખસે અપહરણ કર્યું હતું. બાદમાં કારમાં ગોંધી રાખી ૧૬,૫૦૦ રૂપિયાની લૂંટ ચલાવી હતી. આ ચારેય શખસે વેપારીને લોઠડા નજીક ઉતારી નાસી છૂટ્યા હતા. આ દરમિયાન મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો પરમાર ગોંડલ પીઠડિયા ટોલનાકા પરથી પસાર થવાનો હોવાની બાતમી પોલીસને મળતાં વોચ ગોઠવી હતી. કાર ટોલનાકાએ આવતાં જ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કોર્ડન કરી લીધી હતી. એક પોલીસમેન કારના બોનેટ પર સૂઇ કારને આગળ જવા દીધી નહોતી. એક સમયે કાર આગળ ચલાવવા આરોપીએ પ્રયાસ પણ કર્યો હતો. જોકે સફળતા ન મળતાં આરોપી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આ સમગ્ર ઘટના ટોલનાકાના સીસીટીવીમાં કેદ થયા છે.
રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક બનેલા અપહરણ અને લૂંટના ગુનામાં મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો પરમાર રાજકોટ-ગોંડલ હાઇવે પર પીઠડિયા ટોલનાકાથી સુરત તરફ નાસી છૂટવા પ્રયાસ કરતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી, આથી ટોલ પ્લાઝા પર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી ગાડીમાંથી ડ્રાઇવર સાથે મુખ્ય આરોપી હિમાંશુ ઉર્ફે નૂરો મળી આવતાં મંગળવારની રાત્રે ૧૨.૩૦ વાગ્યા આસપાસ પોલીસે ફિલ્મીસ્ટાઇલથી કારને કોર્ડન કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી દ્વારા એક વખત કારને આગળ ચલાવવા પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જોકે નાસી છૂટવામાં તેને સફળતા મળી નહોતી.